+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

My Voice

News Room > News & Event > Event
10 Apr 2012
એક યાદગાર પ્રવચન

ગુજરાતની સરહદે રાધનપુરમાં, રાજ્યની સ્થાપના કરનાર બાબી સરદારોના આશરે એક હજાર વર્ષ કરતાં પણ જૂના વંશવેલામાંથી પાલનપુર, બાલાશિનોર અને જૂનાગઢના બાબી નવાબોની હકૂમત વર્ષો સુધી ચાલી. જૂનાગઢ નવાબશ્રી મહોબતખાને  સર શાહ નવાબ ભુટ્ટોને દીવાનપદે સ્થાપી, જૂનાગઢ રાજ્યનું પાકિસ્તાન જોડે જોડાણ કરવાની ચેષ્ટા કરી તેના ફળસ્વરૂપ આરઝી હકૂમતની ઘટનાએ આકાર લીધો અને નવાબે જૂનાગઢ છોડી પાકીસ્તાન નાસી જવું પડ્યું.

સરદાર વલ્લભભાઈ પટેલે દૂરંદેશી રાખી લોકમતના આધારે જૂનાગઢ રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરાવ્યું. જૂનાગઢના બાબીવંશના નવાબ મહોબ્બતખાનની પાકિસ્તાન પરસ્ત કાર્યવાહીની સામે પાલનપુર રાજ્યના નવાબ સર તાલે મહંમદખાને ભારતીય સંઘમાં ભળી જવાની સંમતિ આપી હતી.

'અડધી રાત્રે આઝાદી' નામક પુસ્તકમાં માઉન્ટ બેટન દસ્તાવેજોને આધારે પાલનપુરના નવાબનાં વિદેશી પત્નીને મહારાણી તરીકે જાહેર કરવાના પ્રસંગનું અવિસ્મરણીય વર્ણન કરે છે.  યુવાનવયમાં માઉન્ટ બેટન અને નવાબ તાલે મહંમદખાન લશ્કરી સેવાના ભાગરૂપે બ્રિટિશ સમ્રાટના એડીસી તરીકે સાથે કામ કરતા હતા. અને બંને વચ્ચે ઘનિષ્ટ મિત્રતા હતી. બ્રિટિશ સલ્તનત હિંદમાં સ્થાયી થઈ ત્યારે તેઓએ એવો નિયમ કર્યો હતો કે હિંદના કોઈ પણ રાજવી વિદેશી સ્ત્રીને પરણે તો તે સ્ત્રીને રાણી કે બેગમ તરીકેનો દરજ્જો આપવો નહીં. તા. 14 ઓગસ્ટ, 1947ની મધ્યરાત્રીએ હિંદની પ્રજાને સત્તા સોંપતી વખતે ભારતની  છેલ્લા બ્રિટિશ વાઈસરૉયે ઉપર્યુક્ત નિયમમાં અપવાદ કરીને, સર તાલે મહંમદખાનની વિદેશી પત્નીને બેગમનો દરજ્જો આપી પોતાની મિત્રતા નિભાવવાનો સંતોષ લીધો હતો.

 પોતાનાં રાજ્યોનું વિલીનીકરણ કરતાં અગાઉ સર તાલે મહંમદખાને એક જાહેર સમારંભમાં પ્રવચન આપ્યું હતું. આ પ્રવચન એમની રાજવી તરીકેની એક આગવી અને ઉદાત્ત ગરીમાને ઉજાગર કરે છે.

તા.14-5-1948ના રોજ નવાબ તાલે મહંમદખાને પાલનપુરની પ્રજાને કરેલું આ સંબોધન રાજવીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે અને સાથે સાથે શાસનકર્તાઓ માટે પ્રજા પ્રત્યેની જનજવાબદારીનું વર્ણન કરે છે. આ વ્યાખ્યાન શાશ્વત રીતે તમામ રાજ્ય વ્યવસ્થાને લાગુ પાડી શકાય તેવું ઉત્તમ છે

આજ પાલનપુરના આંગણે આંખની ઈસ્પિતાલનું ઈન્સ્ટિટ્યૂશન કાયમ થાય છે.તેથી વધુ ઉત્તમ સંસ્થા મનુષ્ય માટે બીજી કઈ હોઈ શકે? આંખ વગરની જિંદગી નકામી છે. એટલે જિંદગી માટે આ સેવા સર્વની શ્રેષ્ઠ સેવા છે. શાહ ચમનલાલ માનચંદ પાલનપુરીઓમાં પહેલા જ ગૃહસ્થ છે કે જેમણે આવી બહોળી રકમ માનવસેવામાં આપી છે. તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે આ સત્કાર્ય માટે હું તેમને મારી અંતઃકરણપૂર્વક મુબારકબાદી આપું છું. મને આશા છે કે આવી જ રીતે દેશસેવા કરતા રહેશે અને બીજાઓ પણ તેમાંથી પાઠ લેશે. તેવા પુરુષો દેશમાં હોય ત્યારે જ દેશની ઉન્નતિ થાય.

65 વર્ષ અને એ પણ વીસમી સદીનાં 25 વર્ષના સમયમાં સંસારના મનુષ્યોને ખૂબ બારીકાઈથી જોવાની તક મળી અને તે દરમ્યાન ઈશ્વરકૃપાએ, ઘણી જાતના અનુભવો મેળવવા અનેક પ્રસંગો ઉત્પન્ન થયા. આ લાંબા અનુભવ ઉપર ખૂબ વિચારથી નજર નાખતાં, આપણા દરેકના ભલા માટે અને દરેકનું ભલું થાય તો દેશના ભલા માટે, મારી અલ્પ બુદ્ધિ અને અનુભવ પ્રમાણે હું જો કોઈને કંઈ પણ સલાહ આપી શકું તો તદન ટૂંકામાં ફક્ત બે શબ્દોમાં કહીશ કે પ્રેમ અને વિશ્વાસ કહેવું સહેલું છે પણ મહાન કામો હંમેશાં કઠણ હોય છે. ઉપરના બે શબ્દો ઘણા જ કઠણ છે પરંતુ તેનું ધ્યાન, તેનું જ પૂજન અને સારા હૃદયથી જે તેનો અમલ થઈ શકે તો હું તેની તાકાતને છેલ્લામાં છેલ્લી એટમીક તાકાતથી વધુ માનું છું. એકાદ માણસ તેનો અમલ કરે તેથી નહિ, પણ તમામ દેશ, પ્રામાણિકતા અને સત્યથી તેનો અમલ કરે તો તેની તાકાત સંસાર જોઈ શકે. પ્રેમમાં પ્રીતિ, માયા, ખરો સંબંધ, સાચું સગાપણું, અડગ મિત્રતા અને દેશ તથા સમાજની ખરી સેવા એ તમામ વસ્તુઓ સમાઈ જાય છે. પ્રેમ અને વિશ્વાસ બંને પેદા થાય ત્યારે  જિંદગી અને મનુષ્યની વસ્તીનું એક જૂદું જ સ્વરૂપ ખડું થાય છે. ડાહ્યા પુરુષોએ ચાર શબ્દોમાં રાજનીતિનો માર્ગ વર્ણવ્યો છેઃ સામ, દામ, દંડ અને ભેદ. અને હજુ પણ તે જ માર્ગનો ઉપયોગ સંસારમાં થઈ રહ્યો છે. પરંતુ મારું માનવું એવું છે કે જ્યારે પ્રેમની કદર અને પ્રેમથી શું થઈ શકે તે માણસો જાણશે અને તેને પ્રામાણિકતાથી અમલમાં લાવશે, ત્યારે રાજ્ય ચલાવવામાં ઉપર ટાંકેલ સિદ્ધાંત નકામો થઈ જશે. ઘણા ખરા મને તર્કવાદી અગર ફિલસૂફીના તડાકા મારનાર કહશે પરંતુ પાલણપુરના પ્રજાજનોને મારી છેલ્લી જાહેર ભલામણ છે કે પ્રેમ અને વિશ્વાસ જરા વધુ કેળવી જુઓ અને હું ખાતરીથી કહું છું કે તેમ કરશો તો આજ સુધી જેવી રીતે તમો સુખી રહ્યા છો તેથી પણ વિશેષ સુખી થશો. જીવનનો એક ઉત્તમ સ્વાદ તમને મળશે. તમારું સાંસારિક જીવન ખૂબ આનંદી અને સુખરૂપ નીવડશે અને દરેક વસ્તુમાં વધુને વધુ સુખી થતા રહેશો. પ્રામાણિકતા અને ગરીબો તરફ દયા તેમજ ગરીબોને કેમ સુખી કરવા અને એક સુખી દુનિયા જોવી તે તમામ પ્રેમ અને વિશ્વાસમાં મળશે. ખુદાપાક તમારું સર્વનું ભલું કરે અને દરેક ઝેરી હવાથી તમે બચો અને સુખી થાઓ તેવી મારી પ્રાર્થના છે.

અગાઉ જ્યારે હું હિંદ બહાર જતો ત્યારે ત્યારે હું મારા હસ્તકની થાપણ તેમજ રાજસત્તા મારી પ્રજાને ભળાવીને જતો હતો અન મેં જાહેર સભાઓમાં તેમ સ્પષ્ટ પણ કરેલ છે હવે તે થાપણ પાલણપુરના પ્રજાજનોને કાયમી સોપું છું. તે જિમ્મેદારીઓનો ખૂબ વિચાર કરશો. વધુ કરજો. પરંતુ કુસંપને પાલનપુરની ભૂમિમાં આવવા દેશો નહીં અને તેથીએ વધુ દરેક વસ્તુનો ભોગ આપી, ગમે તે દુઃખ ઉઠાવીને પણ કોમી ઝઘડાઓ પાલણપુરમાં પેસવા દેશો નહીં, કોમી વિખવાદએ ઝઘડાઓ દેશનું એક દુઃસ્વપ્ન છે જે કદી ટકવાનું નથી.પાડોશીથી પાડોશી કદી જુદો થવાનો નથી. માટે જો થોડો સમય શાંત બુદ્ધિથી કામ કરશો તો પાલણપુર બીજાથી વધુ આગળ વધશે અને એક વાર તમો પણ મગરૂરીથી કહી શકશો કે જુઓ અમે કેવા રહ્યા! આ મારી છેલ્લી ભલામણ અને અપીલ છે અને પ્રેમની અપીલ પ્રેમની અદાલતમાં કરું છું. તેને તમો માન્ય રાખશો. ખુદાની પાસે મારી આ પ્રાર્થના છે તે ઘણી પાર પાડે આમીન!

ગૃહસ્થો, ઉત્તમ અને મહાન ન્યાયમંદિર ખરેખર તો દરેક મનુષ્યની પાસે ખુદા પાકે આપ્યું છે અને તે દરેકનો આત્મા છે. તે પ્રભુના સાચા, ન્યાયમંદિરના ફેસલા અને ઠરાવો, ઈશ્વરીય રેડિયો, આપણા દરેકને દરેક સવાલમાં કહી આપે છે. પછી તેને સમજવા, માનવા, કરવા અગર ન કરવા તેનો આધાર આપણી બહારની બીજી શક્તિઓ ઉપર રહે છે. ખરી વસ્તુ આત્માથી છૂપેલી નથી. છતાં તે આપણે ન કરીએ તેનું જ નામ સંસાર. અને સંસારની નાની અને મોટી મુશ્કેલીઓ ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. ખુદાપાકે મને અહીં સ્થિતિએ જન્મ આપી, સારી સત્તા મારા હાથે ચલાવવા મને નિર્મિત કર્યો, સત્તા અને અમલ આમ મારી પાસે આવતાં, હું મનુષ્ય હોઈ, સર્વને બધી બાબતોમાં સંતોષ ક્યાંથી આપી શકું? પરંતુ મને મારું ઈશ્વરીય ન્યાયમંદિર એટલે મારી આત્મા એમ કહે છે તે મેં છત્રીસ વર્ષ રાજ્યસેવા કરી તે દરમ્યાન મારી સત્તાનો દુરુપયોગ કોઈ ઉપર જુલ્મ કરવામાં અગર કોઈને તકલીફ આપવામાં કર્યો નથી. સને 1916-17થી સ્વાતંત્રતાની ચળવળ મજબૂત રીતે શરૂ થઈ ત્યારથી તેનો સૂર્ય 1947ના ઓગસ્ટની 15મી તારીખે ઉદય થયો ત્યાં સુધી હિંદમાં પોલિટિકલ હિલચાલોએ દરેક રૂપ લઈ લીધું હતું અને તેવી હિલચાલો વગર દેશ સ્વતંત્ર થઈ પણ કેમ શકતો? ઉપર બતાવેલ સમ.યમાં ઘણા બારીક પ્રસંગો આવ્યા હતા અને છેવટનો ફેંસલો મારી ઉપર જ રહેતો હતો, અહીં આ પ્રસંગે એટલે કે હવે બીજીવાર આ સ્થિતિમાં હું તમારી સામે ભાષણ કરવા ઊભો નહિ રહું તેવા પ્રંસંગો, મગરૂરી સાથે હું તમારો આભાર માનું છું કે તમારા ડહાપણથી તમોએ મારા ઉપર કોઈ વાર છેવટની મુશ્કેલી આવવા દીધી નહીં અને તમારી સત્તા કે જે હું ભોગવતો હતો તે કોઈપણ પાલણપુરી પ્રજાજન ઉપર, કોઈ પણ કારણે વાપરવામાંથી ઈશ્વરે મને બચાવ્યો છે, તમો સહુ પાસે એક સવાલ મૂકું છું કે, પ્રજામાંથી એક પણ શખ્સને પોલિટિકલ હિલચાલ માટે ઓથોરિટીએ થોડીવાર પણ બોલાવી બેસાડ્યો ન હોય તેવો દાખલો પાલણપુર સિવાય બીજે ક્યાંય થયો તમારી જાણમાં હોય તો તેની તમો તજવીજ કરી નોંધ લેશો. આ માટેનો જશ હું લેવા માંગતો નથી. તેનો સાચો યશ તમને સૌને છે. કેમ કે હું પોતે એક ગુનેગાર, ખુદાનો બંદો છું કારણ કે દરેક માણસ એક ખતા અને ભૂલનું પૂતળું છે અને હું પણ માણસ છુ એટલે ભૂલથી શી રીતે બચી શકું? તે સ્થિતિમાં હું મારા સર્વે પ્રજાજનો આગળ કોઈ પણ મારી ગંભીર ભૂલ થઈ હો.ય તો તેની ક્ષમા માગું છું અને જ્યારે તમો સહુ ક્ષમા કરશો ત્યારે જ પ્રભુ મને ક્ષમા કરશે.

ખુદાપાક પાલણપુર રાજ્યના તમામ વતનીઓને સુખી રાખો, ગરીબોની હાલત સારી કરો, દેશની ચડતી કરો અને હિંદ યુનિયનની દરેક પળે આપણી બંદગી અર્પણ કરીને પણ સેવા કરીએ તેવી આપણને લાયકાત આપો. (આમીન!) વગર તકલીફ કે વિના દુઃખે સ્વતંત્રતા મળતી નથી  અને તેથી પણ વધારે દુઃખ અને તકલીફ વેઠ્યા વિના તેમજ વધુને વધુ ભોગ આપ્યા વિના તે સ્વતંત્રતા ઉજ્જવળ રીતે ટકાવી શકતી નથી. હજુ તો સ્વતંત્રતાનો સ્વાદ વધુ ચાખવાનો છે અને પોતાના જાતીકા નાના મોટા સ્વાર્થ ભૂલી જઈ ખરું દેશાભિમાન પ્રગટ થશે. હજુ બાળકનો જન્મ થયો છે અને તેને મજબૂત બનાવવા દરેક ફરજો આપણે અદા કરવી પડશે.

ફરી એક વાર કઈ મારી ભૂલ તમારી સેવા કરવામાં થઈ હોય તે માટે સર્વની ક્ષમા ચાહું છું અને પાક પરવરદિગાર પાલણપુરનું કલ્યાણ કરો તેવી પ્રાર્થના કરું છું. એક પાલણપુરી તરીકે હંમેશાં તમારી સાથે છું અને રહીશ, એ હિંદની સેવા બજાવવામાં ગર્વ લઈશ અને જિંદગીને સાર્થક માનીશ.

Note: This article, which appeared in Akhand Anand has been reproduced on the recommendation of Ramnikbhai Premchandbhai Shah with permission to re-print from the author, Pravin Laheri

TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close